ગુજરાતી ભાષા
મુખ્ય રીતે ગુજરાતમાં બોલાતી ભારતની આધિકારીક ભાષાઓમાંની એક ભાષા / From Wikipedia, the free encyclopedia
ગુજરાતી (/ɡʊdʒəˈrɑːti/[6], રોમન લિપિમાં: Gujarātī, ઉચ્ચાર: [ɡudʒəˈɾɑːtiː]) ભારત દેશના ગુજરાત રાજ્યની ઇન્ડો-આર્યન ભાષા છે અને મુખ્યત્વે ગુજરાતી લોકો દ્વારા બોલાય છે. તે બૃહદ ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા (આશરે ઇ.સ. ૧૧૦૦-૧૫૦૦)માંથી થયો છે. તે ગુજરાત રાજ્ય અને દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ગુજરાતી | |
---|---|
ગુજરાતી | |
ગુજરાતી લિપિમાં "ગુજરાતી" | |
મૂળ ભાષા | ગુજરાત અને પાકિસ્તાન |
વિસ્તાર | ગુજરાત, ભારત |
વંશ | ગુજરાતી |
સ્થાનિક વક્તાઓ | L1: ૪.૬૧ કરોડ[1] L2, L3: ૪૨ લાખ[2][3][1] |
ભાષા કુળ | ઇન્ડો-યુરોપિયન
|
પ્રારંભિક સ્વરૂપો | જૂની ગુજરાતી
|
લિપિ | ગુજરાતી લિપિ (બ્રાહ્મિક લિપિઓ) ગુજરાતી બ્રેઇલ અરેબિક લિપિ દેવનાગરી (ઐતિહાસિક) |
અધિકૃત સ્થિતિ | |
અધિકૃત ભાષા | ગુજરાત (ભારત)[5] દમણ અને દીવ (ભારત) દાદરા અને નગરહવેલી (ભારત) |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-1 | gu |
ISO 639-2 | guj |
ISO 639-3 | guj |
ગ્લોટ્ટોલોગ | guja1252 |
Linguasphere | 59-AAF-h |
ભારતમાં ગુજરાતી ભાષીઓનું વિતરણ |
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં વક્તાઓની સંખ્યા પ્રમાણે ગુજરાતી છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ૫.૫૬ કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતની વસ્તીના લગભગ ૪.૫% જેટલા થાય છે.[7] સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૦૦૭ મુજબ ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.
ગુજરાતી ૭૦૦ વર્ષ કરતા વધુ જૂની છે. ગુજરાત બહાર, ગુજરાતી લોકો દ્વારા દક્ષિણ એશિયાના ઘણા ભાગોમાં, ભારતનાં અન્ય રાજ્યો, ખાસ કરીને મુંબઈ તથા પાકિસ્તાન (મુખ્યત્વે કરાચી)માં ગુજરાતી બોલાય છે. ગુજરાતી વંશના લોકો દ્વારા દક્ષિણ એશિયાની બહાર પણ વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી બોલાય છે. ઉત્તર અમેરિકા ખંડમાં ગુજરાતી ભાષા સૌથી ઝડપથી વિકસતી અને અમેરિકા અને કેનેડામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાંની એક છે. યુરોપમાં ગુજરાતીઓ બ્રિટિશ દક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાં બીજા ક્રમે છે, અને યુ.કે.ના લંડનમાં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ગુજરાતી ઉત્તર-પૂર્વીય આફ્રિકા, ખાસ કરીને કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, ઝામ્બિયા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશોમાં પણ બોલાય છે. બીજે બધે, જેમ કે ચીન (ખાસ કરીને હોંગકોંગ), ઇન્ડોનેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વના દેશો જેમ કે બહેરીન વગેરેમાં ગુજરાતી ઓછા પ્રમાણમાં બોલાય છે.
ભારતના "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "લોખંડી પુરૂષ" સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી. બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે અથવા હતી તેમાં નરસિંહ મહેતા, સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી. ટાટા, નરેન્દ્ર મોદી અને મહમદ અલી ઝીણાનો સમાવેશ થાય છે.