હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

Quick Facts હોળી રંગોનો તહેવાર, ઉજવવામાં આવે છે ...
હોળી
રંગોનો તહેવાર
Thumb
હોળીનાં રંગોમાં રંગાયેલી છોકરી
ઉજવવામાં આવે છેહિંદુ,[1] શીખ, કેટલાંક જૈનો વડે પણ,[2] નેવાર બૌદ્ધ[3] અને અન્ય બિન-હિંદુઓ.
પ્રકારધાર્મિક, સાંસ્કૃતિક, વસંત તહેવાર
ઉજવણીઓઆગલા દિવસે: હોળીકા દહન
હોળીના દિવસે: અન્યો પર રંગ છાંટવો, નાચ-ગાન, મિજબાની વગેરે[4]
તારીખહિંદુ પંચાંગ પ્રમાણે
આવૃત્તિવાર્ષિક
બંધ કરો
Thumb
જગદીશ મંદિર, ઉદયપુર, રાજસ્થાન ખાતે હોળીકા દહન
Thumb
મૈસુરના બજારમાં હોળીના રંગો

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોળીકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.

હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

આંધ્ર પ્રદેશમાં હોળીકા દહનનો તહેવાર "કામ દહન" તરીકે ઓળખાય છે.

ઇતિહાસ

કથાઓ

Thumb
નરસિંહ ભગવાન દ્વારા હિરણ્યકશ્યપનો વધ

હોળી સાથે પૌરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશ્યપ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઇપણથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.

Thumb
હોળી રમતાં રાધા કૃષ્ણ અને ગોપ-ગોપીઓ

આ દરમિયાન, હિરણ્યકશ્યપનો પોતાનો દિકરો, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા બીક બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદ્દેશથી હિરણ્યકશ્યપે પ્રહલાદને, પોતાની બહેન હોળીકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોળીકા, કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ માથે ઓઢવાનું કાપડ) હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંટાઈ ગઈ, આથી હોળીકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોળીકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશ્યપનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.

આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.

હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.[5]

પરંપરા

Thumb
હોળી/ધુળેટીની સામુહિક ઉજવણી

ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને 'પડવો' કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો','ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘેરૈયાઓ કહેવાય છે.

હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણ' વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.

સંગીતમાં હોળી

  • હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.
  • વૈષ્ણવ ધર્મમાં રાધા-કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીનાં વર્ણનનાં સુંદર ગીતો મળી આવે છે. જે મહદાંશે વ્રજ ભાષામાં હોય છે.
  • ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીના ગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે.અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:
    • "રંગ બરસે ભિગે ચુનરવા..."
    • "હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ.."
  • ભારતનાં મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં:
    • "રંગ દે ચુનરિયા.."-મીરાં બાઈ
    • "કિનુ સંગ ખેલું હોલી.."-મીરાં બાઈ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.